બીજાના માટે જીવતી અમેરિકન યુવતી
લ્યૂસી અને માર્કને બાળક નહોતું. તેથી તેમણે એક દીકરો દત્તક લીધો. થોડા સમયમાં એમને ખ્યાલ આવી ગયો કે દીકરો મંદ બુદ્ધિનો છે. માર્ક બોલ્યો, ‘આપણે આપણા આનંદ માટે બાળક લીધું છે, પણ આ તો વેઠ કરવાની. આ બાળક આપણે પાછું આપી દઇએ.’ ત્યારે લ્યૂસી બોલી, ‘મા-બાપ બાળકને જન્મ આપે છે અને બાળક જેવું હોય એવું સ્વીકારી લે છે, ત્યાં પસંદગીને અવકાશ નથી હોતો. આપણા નસીબમાં થોડી ખોડવાળું બાળક હશે તો એવું આવ્યું. આપણે એને પ્રેમથી કેળવવાનું.’ માર્ક બોલ્યો, ‘આ છોકરાની જવાબદારી પૂરી કરવામાં આપણે કેટકેટલા સુખો જતાં કરવા પડશે?’ પણ લ્યૂસી પ્રેમાળ અને નિષ્ઠાવાળી હતી.
એ માર્ક સાથે સંમત ન થઇ. ગુસ્સે થયેલો માર્ક એ છોકરા ગેબ્રિયલને ડરાવતો, ધમકાવતો. લ્યૂસી કહેતી, ‘બાળકને પ્રેમથી સમજાવવાનો હોય, ધમકાવવાનો કે ડરાવવાનો નહીં.’ બાળકની માવજતમાં લ્યૂસીનો એટલો સમય જતો કે એણે નોકરી છોડી દેવી પડી, માર્કે લ્યૂસીને છૂટાછેડા આપતાં કહી દીધું, ‘તારા આ દીકરાને ગળે વળગાડીને ફર. હું મારી જિંદગી પાયમાલ નહીં થવા દઉ.’ લ્યૂસી પડી ભાંગી. એની આંખમાંથી અવિરત આંસુ વહેવા માંડયા.
મંદ બુદ્ધિના ગેબ્રિયલે આંસુ જોયા અને કોને ખબર કેવી રીતે લ્યૂસીના દુ:ખ, નિરાશા એને સમજાવા માંડયા અને ચમત્કાર થયો- ગેબ્રિયલમાં સમજ ખીલવા માંડી. એ લ્યૂસીને વહાલ કરતો અને એનું કહ્યું બધું માનતો. ધીરે ધીરે એ લખતાં-વાંચતાં શીખ્યો. લ્યૂસીને ઘરકામમાં મદદ કરતો. લ્યૂસીમાં હિંમત આવી. ગેબ્રિયલ સ્કૂલમાં પણ આગળ વધતો ગયો.
એ અઢાર વર્ષનો થયો. લ્યૂસીએ વિચાર્યું, ગેબ્રિયલ મારી સાથે રહેશે ત્યાં સુધી એનું વ્યકિતત્વ ખીલી નહીં શકે. હવે એ નોર્મલ બની ગયો છે, તો એની સ્વતંત્રતા એને મળવી જોઇએ. એના નિર્ણયો એણે કરવાની સમજ કેળવી છે. પણ જયાં સુધી મારી સાથે રહેશે ત્યાં સુધી એ મને પૂછશે. લ્યૂસીએ ગેબ્રિયલને બીજા શહેરમાં ફેકટરીમાં કામે લગાડયો. પ્રેમાળ માએ દૂર મોકલતાં ગેબ્રિયલ ગયો પણ રોજ એ લ્યૂસીને ફોન કરે. એ કહેતો, ‘મોમ, તારો દીકરો હોવાનું મને બહુ ગૌરવ છે.
તું મારી ચિંતા ન કરતી.’ લ્યૂસી દીકરાની વાતો સાંભળીને રડી પડતી. એનાં ડૂસકાં સાંભળીને ગેબ્રિયલ રડી પડતો. માનો પ્રેમ એ અનુભવી શકતો હતો. ઓહ, ગેબ્રિયલ ખાતર લ્યૂસીએ કેટકેટલો ભોગ આપ્યો? પતિનાં પ્રેમ, હૂંફ, સાથ ગુમાવ્યા. એ સાવ એકલી પડી ગઇ હતી. કોઇ સગું એની પડખે આવીને ઊભું ન હતું. ગેબ્રિયલના હિત ખાતર એને દૂર મોકલ્યો. અત્યારે એ એક વૃદ્ધાશ્રમમાં નોકરી કરે છે અને વૃદ્ધોના જીવનને પ્રેમ અને ખુશીઓથી છલકાવે છે.