Thursday, February 25, 2010

વિદેશમાં સાલે સ્વજનની ખોટ

Prashasti Mehta

સ્વતંત્રતામાં સ્વદેશને ભૂલે તે ક્યાંયના ન રહે ને? અમેરિકા આવ્યા પછી મુકેશભાઇ અને રમાબહેન ભારતને સાવ ભૂલી જ ગયાં હતાં. આજે મુકેશભાઇની વિદાય પછી વિદેશમાં વસી રહેલા રમાબહેન દેશમાં રહેતાં સ્વજનો માટે વિદેશી બની ગયાં છે.



મુકેશભાઈ અમેરિકા ભણવા આવ્યા હતા, પણ અહીં ખૂબ સારી જોબ મળી ગઈ અને અહીં જ રહી ગયા. એમના પત્ની રમાબહેન નાના શહેરમાંથી આવતા હતા. એ તો અમેરિકાની રોકટોક વગરની, મોજમસ્તીભરી જિંદગીમાં ભારતને સાવ ભૂલી ગયા હતા. એમને એક દીકરો અને એક દીકરી છે.



અપેક્ષા મુજબનાં સર્વ સુખો મળ્યાં છે. વર્ષો વીતતાં જાય છે. ત્યાં એમના સુખના મહેલમાં એક તિરાડ પડી. દીકરો અમેરિકન યુવતીને પરણ્યો અને બીજા શહેરમાં જઇને વસ્યો. હવે તે માબાપને મળવા ખાસ આવતો નથી. હા, પોતાની પ્રગતિના સમાચાર આપે છે, પણ કોને ખબર કેમ દીકરાની પ્રગતિની વાત સાંભળીને માબાપ નાચી ઊઠતાં નથી. દીકરો એમને જાણે પોતાનો નથી લાગતો.



દીકરી સુહાસ લગ્ન કર્યા વગર એક ઇટાલિયન યુવક સાથે સહજીવન ગાળે છે. એ માબાપને મળવા આવે છે, પણ સાથે પેલો ઇટાલિયન તો હોય જ. મુકેશભાઈ અને રમાબહેનનું લોહી ઊકળી આવે છે, પણ એ કંઈ કહી શકતાં નથી.



અમેરિકામાં પોતાનાં બાળકનેય કંઈ પણ કહેવાનો હક માબાપને નથી. એ બાળક પોલીસ બોલાવી શકે છે, માબાપને ગુનેગાર ઠેરવી શકે છે, ત્યાંની સ્વતંત્રતા ક્યારેક સંતાનને અંતિમ પગલું લેવા ય ઉશ્કેરે છે. મુકેશભાઈ અને રમાબહેન આ વાત જાણતા હોવાથી ચૂપ જ રહે છે. તેઓ દીકરીને કંઈ કહી શકતા નથી, પણ મનમાં ધૂંધવાયા કરે છે.



રમાબહેન અને મુકેશભાઈ જીવનનો ઉત્સાહ ગુમાવી બેઠા છે. મુકેશભાઈને પોતાના કામમાં રસ નથી પડતો. તેમણે જોબ છોડી દેવાનો વિચાર કર્યો.



રમાબહેન પૂછે છે, ‘જોબ છોડીને શું કરશો? અહીં ક્યાં કોઈ ખાસ ઘનિષ્ઠ મિત્ર છે? કોની સાથે સમય ગાળશો?’



રમાબહેનની વાત સાચી હતી, લગભગ ચાલીસ વર્ષથી તેઓ અમેરિકામાં વસે છે, પણ પોતાના મનની મૂંઝવણ ઠાલવીને હૈયું હળવું કરી શકાય એવો કોઈ સંબંધ એમને નથી.
એ બંને પતિપત્ની છે, પણ સાવ ઉદાસ, નિરાશ અને ઉત્સાહ વગરનાં થઈ ગયા છે. કલાકો સાથે બેઠાં હોય તોય મન હળવું થાય એવી એકે વાત ન કરી હોય, એકાદ વખત હસ્યાં ન હોય.



મુકેશભાઈને સંગીતમાં રસ હતો. કોલેજમાં ઉદાસ ગીતો ત્યારે એમને મધુર લાગતા હતા. એમના ગાયેલા એ ગીતોના શબ્દો એમના હૃદયને કોઈ માદક મોહિનીમાં ગરકાવ કરી દેતા હતા, પણ આજે અનંત ખાલીપો છે.



દુ:ખ મુકેશભાઈના હૃદય પર બોજ બનતું ચાલ્યું અને એક દિવસ એ બોજમાં મુકેશભાઈનું હૃદય ધબકતું અટકી ગયું. રમાબહેન પાસે વિદાય માગવાનોય ખ્યાલ ન રહ્યો. રમાબહેનનું રૂદન અટકતું જ નથી. એ કહે છે, ‘મારા જીવનનો આરંભ કેટલો સરસ હતો?



સમાજથી દૂર સ્વતંત્ર જિંદગી મળી, જ્યાં કોઈની ગુલામી નહીં, ઘસાવાનું નહીં, મબલખ કમાણી, અદ્યતન સગવડોવાળું વૈભવી ઘર, સ્વિમિંગ પુલ, દીકરો આવ્યો, દીકરી આવી, જિંદગીના પચીસ-ત્રીસ વર્ષ કેટલા સરસ, સુખમય ગયા? પણ આજે લાગે છે એ બધાં સુખ કેટલા આભાસી હતા. આજે હું કેટલી એકાંકી છું. હું રડું તો રડતી જ રહું છું, મારાં આંસુ લૂછનાર કોઈ નથી.



હું આપણા દેશમાં હોત તો કેટલા બધાં સ્વજનો મને વિંટળાઈને આશ્વાસન, હિંમત આપતા હોત. તો દેશમાં જઇને શું કરું? ત્યાં ય હવે હું પરદેશી છું. સુખમાં હું સ્વાર્થી બની ગઈ હતી. કોઈને મારી નિકટ રાખ્યા જ નથી, પછી ક્યાંથી મળે મને સ્નેહ અને સાંત્વના?



family

સુવિધાભર્યો દેશ ગુનામાં અગ્રેસર!

Prashasti Mehta
સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા કરી શકાય? ગુના થતાં અટકાવવા માટે કાયદો છે, પરંતુ સમાજના લોકોની પણ દેશ પ્રત્યે માનવતા દાખવવાની ફરજ બને છે.

familyએવું મનાય છે કે પાંચ અમેરિકનોએ એક અમેરિકન માનસિક રીતે વિક્ષિપ્ત હોય છે અને તેઓ એની દવા કરાવતા નથી કારણ કે તેઓ કોઈ ડિસઓર્ડરથી પીડાય છે એવું માનવા તૈયાર નથી, પરંતુ વિજ્ઞાને સાબિત કર્યું છે કે મન જે રીતે શરીર સાથે જોડાયેલું છે, એ રીતે માનસિક રોગો શારીરિક રોગો સાથે જોડાયેલા છે.

હૃદયરોગ પછી બીજો કોઈ ખતરનાક રોગ હોય તો માનસિક રોગ છે. અમેરિકામાં આવા રોગીઓ ઘણા છે. ત્યાં દરેક વસ્તુ વિપુલ પ્રમાણમાં મળે છે. ભોગવિલાસના સાધનો ઓછી મહેનતે મબલખ મળે છે, પણ ત્યાંના પ્રજાજીવનમાં આપણી જેમ સંયમ, ધીરજ અને સંતોષ વણાયેલાં નથી.

ત્યાં જીવનમૂલ્યોનું શિક્ષણ મા-બાપ પાસેથી મળતું નથી. પોતાની વૃત્તિઓ અને લાગણીને કાબૂમાં રાખવાની શીખ મળતી નથી, તેથી તેઓ જાતીય સુખ અને વાસનાની તૃપ્તિમાં બધા સુખ માને છે.

અમેરિકામાં સ્વતંત્રતાનો એવો અતિરેક થાય છે કે બાળકોને સદાચારી બનાવવા રોકટોક થઈ શકતી નથી. અહીં નવ વર્ષની છોકરી મા બને છે અને એ બાળકનો પિતા હોય છે, એની સાથે રમતો એના જેવો જ નાદાન છોકરો જેની ઉંમર દસ કે અગિયાર વર્ષની હોય છે. રોમાંચ અને કુતૂહલના આવેશનું અવાંચ્છનીય પરિણામ એવું બાળક કોઈને પોતાનું ન લાગે.

આવું બાળક રસ્તે રખડતું, અસામાજિક પ્રવૃત્તિ કરતું થઈ જાય છે. આવાં બાળકો અંદરોઅંદરની મારામારીમાં ચાકુ-છરી કે બંદૂકની ગોળીનો ભોગ બને છે. કેટલાક વ્યસનોમાં અને કેટલાક અસાઘ્ય જાતીય બીમારીમાં મરે છે. ટીવીમાંથી હિંસા અને સેક્સ શીખે છે અને જીવન વેડફી નાખે છે. તેમનામાં ઊંચા જીવનમૂલ્યો નથી, સુરુચિ નથી, મહત્ત્વાકાંક્ષા નથી.

જે ઉંમર ભણીને જીવનસંઘર્ષ માટે તૈયાર થવાની છે, જીવનને બહેતર બનાવવા પોતાનો સર્વાંગી વિકાસ કરવા માટે છે, એ સમયે તેઓ દિશાહીન રઝળ્યા કરે છે, જિંદગી કેટલી મૂલ્યવાન છે એનો એમને ખ્યાલ નથી. આઠ વર્ષના ફિલિપે બાઇસિકલ માટે દસ વર્ષની ગ્રેઇસને મારી નાખી. માન્યામાં ન આવે એવા ગુના અહીં બને છે. બાળક ખૂન કરી શકે? આટલું ક્રૂર બની શકે?

જો સરખામણી કરીએ તો અમેરિકન સમાજ જેવી જ અધોગતિ આપણે ત્યાં પણ દેખાવા માંડી છે. કોઈ પણ સમાજ ક્યારેય ગુનારહિત નથી હોતો. દરેક દેશમાં દરેક યુગમાં ગુના થાય છે. ગુનો અટકાવવા માટે કાયદા છે. ઉપદેશ આપતા સાધુ-સંત છે, ધર્મ છે, પણ ગુના તો પહેલાં થતા હતા અને થાય જ છે.

તેથી કોર્ટ, કચેરી, પોલીસ, જેલ હતાં અને છે. સમાજશાસ્ત્રીઓ કહે છે, બાળકને નાનપણથી જ સાચા-ખોટાનું વિવેકભાન કરાવવું જ જોઈએ. પ્રેમથી બાળકમાં સદ્ગુણોનું સિંચન કરવું જોઈએ. ગુનાઓ તદ્દન અટકે નહીં, પણ પરિસ્થિતિ સુધરે તો ખરી જ.

એક સર્વેક્ષણ એવું કહે છે કે આપણો ભારત દેશ ભૂખે મરતો. બેકાર માણસ જેને ઘરકુટુંબ નથી હોતાં, એ અપરાધના પંથે વળે છે. આપણાં ત્યાંના ગુનાના પાયામાં ભૂખમરો અને ગરીબી છે. જ્યારે પશ્વિમની ભૌતિક સુખસગવડોથી સમૃદ્ધ દુનિયામાં આપણા દેશ કરતાં વધારે ગુના બને છે કેમ કે ત્યાં આપણા જેવો સુગ્રથિત સમાજ નથી, સંતપ્રકૃતિના કરુણામય સજ્જનો નથી.

પ્રેમ અને કાળજીથી સન્માર્ગે વાળનાર હિતેચ્છુ, નિ:સ્વાર્થી સમાજસેવકો નથી. અમેરિકામાં સરકાર આ પ્રશ્ન પરત્વે જાગૃત છે, પણ સમાજમાં માનવતાપ્રેમીઓ હોવા જોઈએ, જે માર્ગભૂલ્યાને માનવતાના પંથે વાળે.