Tuesday, April 20, 2010

પપ્પા તો ગયા, હવે કોને મળવા જાઉ?

Prashasti Mehta
First Published: 00:18[IST](18/04/2010)
Last Updated : 00:18[IST](18/04/2010)

Sapnani-Kediyeગીતાંજલિના પપ્પાના અવસાનના સમાચાર સાંભળી મેં ફોન કર્યો. શોક દર્શાવીને મેં પૂછ્યું, ‘ઇન્ડિયા ક્યારે જવાની છે?’ ‘હું નથી જવાની.’ આંસુભીના કંઠે ગીતાંજલિ બોલી. નવાઇ પામતાં મેં પૂછ્યું, ‘કેમ?’ એકાદ વીકની રજા તો એને મળી શકે એ હું જાણતી હતી. ઉદાસ સ્વરે એ બોલી, ‘હવે કોની પાસે જવાનું?’ પપ્પાના અવસાનથી માણસના જીવનમાં જે ખાલીપો સર્જાય એ તો કદી ભરાય નહીં, પણ ગીતાંજલિ ઇન્ડિયા જાય, સગાંને મળે, પપ્પાની સ્નેહભરી વાતો યાદ કરી રડી લે તો એનું મન હળવું થાય. વળી, ઇન્ડિયામાં એના નાના ભાઇ-ભાભી છે, એ હું જાણતી હતી.



અવસાન પછી એ કોઇ વિધિ કરે એમાં ગીતાંજલિએ મોટી બહેન તરીકે હાજર રહેવું જોઇએ. પોતાના ભાઇને આશ્વાસન આપવા એ કેમ નથી જવાની? જો કે એ એની અંગત વાત છે, એમાં આપણાથી કંઇ ન બોલાય, પરંતુ મારા વગર પૂછે ગીતાંજલિ બોલી, ‘દુનિયાની નજરે મારે ભાઇ, ભાભી છે, પણ અમારી વરચે સ્નેહ કે સંબંધ નથી. સ્નેહના ઠેકાણે નફરત છે.



મારા પપ્પાની અઢળક સંપત્તિ અને લાઇફસ્ટાઇલ વૈભવી. મારો ભાઇ લાડમાં ઉછર્યોછે. સાચા અર્થમાં એ મૂરખો છે. મારી ભાભીએ અમારી અઢળક સંપત્તિ જોઇને મારા ભાઇ સાથે પ્રેમલગ્ન કયાô. ઘરમાં પગ મૂકતાંની સાથે પોતાની હકૂમત ચલાવવા માંડી. ભાભી એના દાદીને અમારા ઘરે કાયમ માટે રહેવા લઇ આવી. એના બેઉ ભાઇઓને અમારી ઓફિસમાં પપ્પાને પૂછ્યા વગર એણે ગોઠવી દીધા. પપ્પાને મારા પર વિશેષ ભાવ હોવાથી એને ડર હતો કે પપ્પા મને મિલકતમાંથી કંઇક આપી દેશે તો?



એટલે એ પપ્પા પર ચાંપતી નજર રાખે. દિવસ દરમિયાન પપ્પા કયાં ગયા હતા એ ડ્રાઇવરને પૂછે અને પપ્પા કોને ટેલિફોન કરે છે, શું વાત કરે છે એ જાણવા જાતજાતની યુકિતઓ કરે. પપ્પાએ એને ઠપકો આપ્યો, તો એ પપ્પા સાથે ઝઘડે, એમનું અપમાન કરે. પપ્પા વ્યગ્ર અને વ્યથિત રહેતા હતા. ભાભી હઠ લઇને બેઠી કે બંગલો એના નામે કરી આપો. પપ્પાની તબિયત તંદુરસ્ત હતી. તેઓ વહુની ગેરવ્યાજબી માગણી શું કરવા સ્વીકારે? ભાભી એની જીદ મૂકે નહીં. પરિણામે, અમારા ઘરમાં કકળાટ જ રહેતો.



સમાજમાં અમારા ઘરની વાતો થવા માંડી. આવી પરિસ્થિતિમાં મારે અમેરિકા આવવાનું થયું. આવતા પહેલાં હું પપ્પાને મળવા ગઇ તો ભાભીએ પપ્પા ઊઘી ગયા છે, કહીને મને મારા પપ્પાને મળવા ન દીધી. હું કોલ કરું તો પપ્પા સાથે વાત થાય નહીં કારણ કે ભાભી ત્યાં જ હોય. મારા પપ્પા તો વહુના ત્રાસમાંથી છૂટ્યાં કારણ કે એના આવ્યા પછી પપ્પા જરાય સુખી નહોતા. મારા સાસુ કહે છે કે અત્યારે રોષ ન રખાય. તું મોટી છે, બધા મતભેદ ભૂલીને પપ્પાનું સારું દેખાય એમ તારે કરવું જોઇએ.



તારા ભાઇભાભી નાના છે, હું કહું છું તેઓ મારાથી નાનાં છે પણ કાચી ઉમરના નથી. તેઓએ પપ્પાને સંતાપ અને દુ:ખ સિવાય કંઇ આપ્યું નથી. સમાજને મારા વિશે જે માનવું હોય એ માને. મને એની પરવા નથી.’ એણે કહ્યું. હું એની સાથે સંમત થઇ. હેતપ્રેમ ન હોય તો દેખાવ કરવાનો શું અર્થ?

Tuesday, April 13, 2010

અંતે નમિતાને બધાં સુખ મળ્યાં

Prashasti Mehta
First Published: 01:03[IST](09/04/2010)
Last Updated : 01:06[IST](09/04/2010)

સપનાંની કેડીએ

sapanaલગભગ પંદર વર્ષ પછી નમિતા મને મળી. એ બોલી, ‘તને ખબર છે, નૈઋતથી છૂટાછેડા લઇને આ અનિરુદ્ધ સાથેના મારા બીજાં લગ્ન છે.’ નમિતાના પ્રથમ લગ્નમાં હું ગઇ હતી. નૈઋત સાથે એને પરણવું જ નહોતું, પણ નમિતાના પપ્પા નૈઋતના પપ્પાનો આલિશાન બંગલો અને દોમદોમ સાહ્યબી જોઇને અંજાઇ ગયા હતા. એમને હતું દીકરી નાદાન છે, સમજતી નથી કે એ રાજરાણીનું સુખ ભોગવશે. નમિતાની ભણવાની ઉમર હતી, એને ભણવું હતું છતાંય એના પપ્પાએ એને પરણાવી દીધી હતી.

નમિતા કહે, ‘પહેલાં મેં લગ્નનો વિરોધ કર્યો હતો, પણ માંહ્યરામાં પગ મૂકયો ને મેં મારી બધી ઇચ્છા-આકાંક્ષા, આગ્રહો વિસારી દીધા હતા. દરેક ફેરે જે પ્રતિજ્ઞા પંડિતજી લેવડાવતા હતા, તે પ્રાણપણે પાળવાના સંકલ્પ સાથે લેતી હતી. મારા કર્તવ્યમાં પાછી નહીં પડું એવા મક્કમ નિર્ધાર સાથે મેં નૈઋતના ધેર પગ મૂકયો હતો.

નૈઋતનું ઘર હવે મારું ઘર બન્યું હતું, પણ ત્યાંનું વાતાવરણ? દંભ, દેખાડો અભિમાન અને તુચ્છકારથી ખદબદતું હતું. કયાંય મને સાચા પ્રેમનો અનુભવ ન થયો, આત્મીયતા ન મળી. નૈઋત દેખાવમાં રૂપાળો હતો, પણ એનું વ્યક્તિત્વ ખીલ્યું જ નહોતું. એ વારંવાર મારું અપમાન કરતો દાંમ્પત્યજીવનની ગરિમા એ જાણતો ન હતો, એ પૂરેપૂરો નોર્મલ નહોતો. એનામાં પરિપકવતા નહોતી. એના જીવનમાં કોઇ આદર્શ નહોતો. કોઇ મહત્ત્વાકાંક્ષા નહોતી, કોઇ સ્વપ્નાં નહોતા. તેમ છતાં એનાં ઉણપ અને ખામીને લક્ષમાં લીધા વગર હું એનું માન જાળવતી. હું આશાવાદી હતી. પુરુષાર્થમાં માનતી હતી.

નૈઋત જેવો હતો એવો મેં સ્વીકારી લીધો હતો. મને હતું કે મારા પ્રેમથી એનામાં પરિવર્તન આવશે, એનું વ્યક્તિત્વ ખીલશે પણ એના માબાપ કે કોઇનો સહકાર ન મળ્યો. તેઓ તો મારું અપમાન કરતા, મને વઢતા. એમનું જોઇને નૈઋત પણ મને વઢતો, ત્યારે હું ખૂબ ઉદાસ થઇ જતી, નિરાશ થઇને રડતી, મારાં મમ્મી પપ્પા કહેતાં, ધીરજ રાખ. સૌ સારાં વાનાં થશે, પણ હું કયાં સુધી ધીરજ રાખું? મહેલ જેવા એ બંગલામાં મને તલમાત્ર સ્નેહ નહોતો મળતો. રોજ મને ત્રાસ અને પીડા આપવાનાં જાણે કાવતરાં થતાં હતા. બધાં મારા વિરોધી હતા.

છેવટે મારી ધીરજ ખૂટી, મારું સ્વત્વ જાગ્રત થયું અને મેં હિંમત કરીને નૈઋતને છોડી દીધો. નૈઋતને છોડતાં પહેલાં મેં બહુ મનોમંથન કર્યું હતું. આપણા ભારતીય સંસ્કાર મને કહેતાં કે જેવું પાત્ર મળ્યું છે એવું, એને મારે સુધારવું જોઇએ, નિભાવવું જોઇએ. કર્તવ્યપાલનમાં પીછેહઠ કરતાં હું અચકાતી હતી. પવિત્ર લગ્નબંધન તોડતાં મને બહુ દુ:ખ થતું હતું, પણ કયાં સુધી હું રીબાતી રહું? હૃદયના મેળ વગર ભૌતિક સુખ ખાતર ત્યાં પડી રહું? હીરામોતીના દાગીના પહેરવા અને મોટરમાં ફરવા એ પામરનું પડખું સેવું? ડગલે ને પગલે મારું શોષણ થવા દઉ અને બહારથી ખુશી બતાવું? ના, હું એવી છલનાભરી જિંદગી ન જીવી શકું.

મારે તો પ્રેમથી છલકાઇ જતી જિંદગી જીવવી હતી. એટલો બધો પ્રેમ હોય કે એની ભરપૂરતામાં જીવનનો કોઇ અભાવ અભાવ ન લાગે, ઊણપ ઊણપ ન લાગે અને જીવન ભર્યુંભર્યું લાગે. એ જીવનમાં કોઇ હીણપત ન હોય, ગ્લાનિ ન હોય.’ નમિતા એની વાત કહે જાય છે, ‘છૂટી થઇને હું પિયર ગઇ, પણ ત્યાં સ્નેહથી કોઇએ મને આવકારી નહી. માબાપને મારો જ વાંક દેખાયો અને મેં માબાપનું ઘર પણ છોડી દીધું. હવે મને કોઇ ડર નહોતો, બીક નહોતી. મેં મારી યોગ્યતા મુજબ નોકરી મેળવી લીધી અને વર્કિંગ વુમન્સ હોસ્ટેલમાં રહેવા માંડી. ત્યાં મારી રૂમ પાર્ટનર તેજલના કઝીન અનિરુદ્ધની ઓળખાણ થઇ.

અનિરુદ્ધ સાથે હું લગ્ન કરીશ એવો તો મને સ્વપ્નેય ખ્યાલ ન હતો. હું બીજી વાર લગ્ન કરવાય નહોતી ઇરછતી, પણ કોને ખબર કેવી રીતે અમે નિકટ આવતા ગયાં અને લગ્ન કરી લીધાં. અનિરુદ્ધના માતા-પિતાએ ઉમળકાથી મને આવકારી. હું છૂટાછેડાવાળી અને અનિરુદ્ધ કુંવારો હતો, પણ તેનો એ લોકોને વાંધો નહોતો. અનિરુદ્ધને એની કંપની તરફથી અહીં અમેરિકા આવવાનું થયું તો મનેય મારા સાસુ-સસરાએ પ્રેમથી અહીં મોકલી.

આખરે મેં ઇચ્છેલા બધા સુખ મને મળ્યાં. આજે મારા દિલમાં કોઇ કડવાશ નથી, કોઇ ફરિયાદ નથી. હું ખૂબ સુખી છું.’ નમિતાએ એની વાત પૂરી કરી. મને થયું, રાત જિતની હી સંગીન હોતી હૈ, સુબહ ઇતની હી રંગીન હોતી હૈ! એ વાત તદ્દન સાચી છે. જરૂર છે, ધીરજ અને પુરુષાર્થની.

Thursday, April 1, 2010

danik bhaskarસ્ત્રીની અંગત જિંદગી ન હોય?

Prashasti Mehta

તમારા દેશમાં બાળકને ગળે વળગાડીને ચોવીસે કલાક તમે ફરો છો, પણ શું કામ ? બાળકને એકાંત આપો, એના રૂમમાં એને એકલું રહેવા દો.



ladiesસિંધિયા મને કહે, ‘ ચાલ, આપણે બેં લોંગ ડ્રાઇવ પર જઇએ. તારા વર કે દીકરાને નહીં લેવાના !



નવાઇ પામતાં મેં કહ્યું, ‘એમ એકલા જવાની શું મજા આવે !’
સિંધિયા ચિડાઇને બોલી, ‘તમે ઇન્ડિયન લોકો સ્વતંત્રતા ભોગવવાનું શીખ્યા જ નથી. વર અને છોકરાને ગળે વળગાડીને ફરો એમાં શું મજા આવે ?’



હું ભોળી ‘વર અને સંતાન મારા અસ્તિત્વનો એક ભાગ જ છે. તેમને મારાથી હું જુદા ન ગણી શકું. ’



‘તને તારી પોતાની જિંદગી જ નથી ? તું શું માત્ર કોઇની મા, અને કોઇની પત્ની જ છે ?
ભલેને તું સ્નેહવશ એમને તારી જોડેને જોડે રાખે પણ તારા આ વર્તનથી તેઓ પણ તારા પર આધાર રાખતા થઇ જાય, અને તારા દીકરાનું વ્યક્તિત્વ સ્વતંત્રપણે ખીલે નહીં.’



આમ કહીને થોડીવાર અટકીને એ બોલી, ‘હું તારા પ્રેમનું મૂલ્ય ઓછું નથી આંકતી કે તારા કાળજીભર્યા પ્રેમની એમને જરૂર ઓછી છે એવું નથી કહેતી પણ દરેક વાતની એક સીમા હોય છે, એ સીમા બેઉ પક્ષ માટે હિતકારી છે.



તમારા દેશમાં બાળકને ગળે વળગાડીને ચોવીસે કલાક તમે ફરો છો, પણ શું કામ ? બાળકને એકાંત આપો એના રૂમમાં એને એકલું રહેવા દો, તું આમ કર ને આમ ન કર અથવા તો ચાલ આપણે આમ કરીએ કહી તમે એને ગાઇડ ન કરો. એની સ્વતંત્ર સમજ, બુદ્ધિ અને નિર્ણયશક્તિને ખીલવા દો. વળી કોઇ વાર એવું ય બનતું હશે કે એને તારી હાજરી નહીં ગમતી હોય. તેં કદી એવું નોંઘ્યુ નથી ?’



હું બોલી, હા, ક્યારેક મને એવુ લાગ્યુ છે, એકવાર દીકરો એની રૂમમાં બેસીને લખતો હતો. તેને જોઇને હું પાછી વળી ગઇ. એણે મને જોઇ હતી પણ એણે મને બોલાવી નહીં, એ લખતો જ રહ્યો. એનું લખવાનું પૂરું થયુ પછી બહાર આવીને મને કહે, થેંક્યુ મમ્મી.’ હું સમજી ગઇ દીકરાને પોતાના વિચાર છે, પોતાની રીત છે. પોતાનું એકાંત એને
ગમે છે.



સિંધિયા બોલી ‘બસ તો હું તને એ જ કહેવા માગું છું કે દરેક વ્યક્તિને એકાંત ગમે પોતાનું એકાંત સચવાય એ ગમે. તું દીકરાને સમજ અને એની રીતે એને વિકસવા દે.’



સિંધિયા નિખાલસ અને સ્પષ્ટવક્તા છે. એ બોલી ‘મને તમારી અમુક પ્રથા જરાય નથી ગમતી. ધારો કે હું ભારતીય છોકરાને પરણું અને એ બેવકૂફ મને સમજી ન શકે અને મારો એ વર મારી સાથે ને સાથે રહે તો હું તો ગૂંગળાઇ જાઉ. એની પસંદ નાપસંદનો આપણે ખ્યાલ રાખવાનો. મને તો એમાં ગુલામી લાગે.’



હું હસી પડી, બોલી ‘અમને ભારતીય સ્ત્રીઓને તો પતિ સાથે હોય એ ગમે. એ સાથે હોય એટલે કોઇ ચિંતા જ નહીં પણ તેં કહ્યા એ ગેરફાયદા તો ખરા જ પણ એની પસંદ ના પસંદનો ખ્યાલ રાખવામાં મને તો કોઇ ભાર નથી લાગતો બલકે ગમે છે એ બધું... ’



મારું બોલવાનું પૂરું થાય એ પહેલા એ બોલી, ‘માત્ર વર જ નહીં, આપણા મા બાપ કે કોઇ વડીલ આપણી સાથે હોય એટલે એ સલાહ સૂચન તો આપે જ. ભલેને આપણે એમની સલાહ પર ઘ્યાન ન આપીએ પણ એની સલાહની આપણા પર અસર તો થાય જ છે. અને મને એ મંજૂર નથી મારું મન બગડી જાય.’



મેં નવાઇ વ્યક્ત કરતાં પૂછયું, ‘તું તારા વિચારની કેમ આટલી આગ્રહી છે? તારા પર કોઇએ કડકાઇથી શિસ્ત લાદી નહીં હોય એવું હું માનું છું.’



‘એ હું શું વાત કરું મારા જીવનની મારા ડેડી મને અને મોમને છોડીને જતાં રહ્યા પછી હું મારાં નાનીમા પાસે ઉછરી. નાનીમા આઇરીશ કેથલિક સ્વભાવે કડક અને અતડાં. આપણે ગાઇએ, હસીએ કે બહાર જવાની વાત કરીએ તો આપણને વઢી નાંખે, સારા કપડાં ય પહેરવા ન દે.



હેરસ્ટાઇલ નહીં કરવાની એ માને કે આજ શૃંગાર આપણને પતનના માર્ગે લઇ જાય છે. હું સાઘ્વી બનું એ માટે મને પ્રોત્સાહન આપે. મારો સ્વાભાવિક વિકાસ જ ન હતો થયો. પણ હું કોલેજમાં ગઇ અને હોસ્ટેલમાં રહી અને જાણે નવી જ દુનિયામાં હું આવી ચડી ત્યાંના મુક્ત વાતાવરણે મારું મન બદલાઇ ગયું. મારો સંતુલિત વિકાસ થયો. એટલે હું તને કહું છું કે તું મુક્ત રીતે જીવે ત્યાં મેં ઘર છોડ્યું પછી ઘર અને સગાં મારાથી દૂર થઇ ગયા છે.’