માતૃપ્રેમની અદભૂત કથાની ડોક્યુમેન્ટરી
ડોક્ટરે વધારે ઇન્વેસ્ટિગેશન કરાવ્યું તો નિદાન થયું, એઇડ્સ. ગીલફેરો અને એનો પતિ રોનાલ્ડ થથરી ઊઠ્યા. એઇડ્સ તો મટે જ નહીં, એ તો દર્દીને ખતમ કરે. હા, એચઆઇવી પોઝિટિવ હોય તો થોડા વર્ષો ખેંચી શકાય, પણ આ એઇડ્સ તો મોતનું જ રૂપ, ધસમસતું આવે. ગીલને એઇડ્સ થયો શી રીતે? તો કહે બ્લડ ટ્રાન્ફ્યુઝનમાં એવું દૂષિત લોહી આવી ગયું હતું.એઇડ્સનું નામ સાંભળીને તો ગીલ પડી ભાંગી, પણ એ જ ક્ષણે એનામાં ક્યાંથી હિંમત આવી ગઇ. હૃદયમાં ઊઠેલો બધો હાહાકાર શમી ગયો...
ડેવિડ બાઇન્ડર એક સંનિષ્ઠ પત્રકાર. પોતાના વ્યવસાયને સંપૂર્ણ સમર્પિત. કોઇ વિષયમાં એને રસ પડે તો છેક એના મૂળ સુધી પહોંચે. માનવીય ભાવ, ભાવનાવાળા વિષયોનું એને વિશેષ આકર્ષણ. એણે ગીલફેરો નામની અશ્વેત મહિલાની વાત સાંભળી અને એ છેક ભીતર સુધી હલી ગયો.
ગીલફેરોની સત્તાવીસ વર્ષની ઉંમર. એ ચાર બાળકની મા હતી. પ્રેમાળ પતિ, સુખી કુટુંબજીવન હતું. એને મોંમાં ચાંદી પડી, દવા કરી, પણ મટી નહીં. એનું વજન ઊતરતું જાય, ડાયરિયા થઇ ગયો. ખાવાનું પચે નહીં. દવા ચાલુ હતી, છતાં શરીરમાં નવી નવી તકલીફો ઊભી થવા માંડી.
ડોક્ટરે વધારે ઇન્વેસ્ટિગેશન કરાવ્યું તો નિદાન થયું, એઇડ્સ. ગીલફેરો અને એનો પતિ રોનાલ્ડ થથરી ઊઠ્યા. એઇડ્સ તો મટે જ નહીં, એ તો દર્દીને ખતમ કરે. હા, એચઆઇવી પોઝિટિવ હોય તો થોડા વર્ષો ખેંચી શકાય, પણ આ એઇડ્સ તો મોતનું જ રૂપ, ધસમસતું આવે. ગીલને એઇડ્સ થયો શી રીતે? તો કહે બ્લડ ટ્રાન્ફ્યુઝનમાં એવું દૂષિત લોહી આવી ગયું હતું.
એઇડ્સનું નામ સાંભળીને તો ગીલ પડી ભાંગી, પણ એ જ ક્ષણે એનામાં ક્યાંથી હિંમત આવી ગઇ. હૃદયમાં ઊઠેલો બધો હાહાકાર શમી ગયો. ગીલ ખૂબ સમજદાર અને વિચારશીલ મહિલા હતી. એને થયું મોત તો મારા દ્વારે ઊભું છે, ઘરનું દ્વાર પણ એણે ખોલી નાખ્યું છે. ગમે ત્યારે એ આવીને મને દબોચી શકે છે.
એનું આવવું નિશ્વિત છે, તો એના વિશે શું વિચારવાનું? એ રોકાવાનું તો છે જ નહીં પણ મારા આ ચાર ભૂલકાંનું શું? હજી તો એમને મારી જરૂર છે. બાળકના વિકાસમાં સૌથી મોટું યોગદાન માનું હોય છે. મા જે ધીરજ અને પ્રેમથી પોતાના બાળકને સમજે અને ઉછેરે એ વાત જ ન્યારી હોય છે.
બાળકને પ્રશિક્ષક માની જરૂર પડે, માનું સ્થાન કોણ પૂરી શકે? મા જેવી સમતાપૂર્ણ સાધના કોણ કરી શકે? કોઇ નહીં- તો પછી? મારી પાસે જે સમય છે, એમાં મારું જે શ્રેષ્ઠ છે એ મારા બાળકોને અને પતિને આપું. અને શરૂ થઇ એક અનુપમ કુટુંબ દાસ્તાન.
સ્નેહ અને સ્વાર્પણની કથા. ડેવિડ બાઇન્ડર એ ક્ષણે ત્યાં પહોંચી ગયો. એણે આ કુટુંબને કચકડે કંડારવાનું શરૂ કર્યું. માનો બાળકો માટેનો અનર્ગળ પ્રેમ-બાળકોને ગળે વળગાડીને એ અદભૂત માએ જીવનના પ્રેમ આનંદ અને ઉલ્લાસનો ભરપૂર પરિચય કરાવ્યો.
એનો ચહેરો પ્રેમની દીપ્તિથી ઝગમગતો હોય, હોઠ પર સ્મિત હોય અને આંખોમાં ભીનાશ વર્તાતી હોય. એણે બાળકોને વાર્તા કહી હસાવ્યા, ગીતો ગવડાવ્યા, સાથે સારું-ખોટું પારખવાની વિવેકબુદ્ધિ આપી. જીવનની વાસ્તવિકતાની વાતો કહી, વિપત્તિમાં રડવા નહીં બેસવાનું પણ ટટ્ટાર ઊભા રહેવાનું.
આપણી લડાઇ આપણે લડવાની, હારનો વિચાર જ નહીં કરવાનો. જીવનમાં અને વિશ્વમાં મંગલ તત્વો છે જ, આપણને એ મદદ કરે છે. માટે શ્રદ્ધાથી, પ્રેમથી જીવવાનું. એ બાઇ સંતાનો અને પતિને હિંમત આપતી ગઇ અને પોતેય રોગ સામે લડવાની હિંમત કેળવતી ગઇ.
ગીલના મૃત્યુ સુધી પત્રકાર રોજેરોજ ત્યાં જતો. એ કુટુંબ કેવું એક થઇને જીવે છે એના હજારો ફોટા પાડ્યા. ગીલના મૃત્યુ પછીય ત્યાં જતો, એ કુટુંબ ગીલ વગર કેવી રીતે જીવે છે એની ફિલ્મ ઉતારી. ગીલના આદર્શો, આશા, અપેક્ષા બધું સાકાર થતું હતું.
એના ફોટા લીધા. ગીલના મૃત્યુ પછી છ મહિના સુધી ડેવિડ ત્યાં જતો હતો. એ બધી વાત ફોટા સાથે દસ વર્ષ પછી ડેવિડે ‘લાઇફ’ મેગેઝિનમાં પ્રસિદ્ધ કરી, ત્યારે સેંકડો પ્રતિભાવ આવ્યા. કેનટુકી પ્રદેશના એક સજજને આ ચારે બાળકોને ખાનગી સ્કૂલમાં ભણવાનો ખર્ચ આપ્યો.
ડેવિડે એને મળેલા પ્રતિભાવોથી પ્રભાવિત થઇ એક ડોક્યુમેન્ટરી બનાવી- ‘કોલિંગ માય ચિલ્ડ્રન’- કુટુંબપ્રેમની આ કથા માની વિદાય પછી પણ એક થઇને જીવતાં કુટુંબના પ્રેમ અને ઝિંદાદિલીની કથાને આ વર્ષે સેક્સબરીના ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી તરીકે પ્રથમ ઇનામ મળ્યું છે.
આનું ડિજિટલ ટ્રાન્સફર મેં કર્યું હતું. પ્રેમના ઉજાસની આ વાતને દસ્તાવેજી રૂપ આપવામાં હું ફાળો નોંધાવી શકી એનું મને ગૌરવ છે.
No comments:
Post a Comment