Tuesday, September 1, 2009

મળી ગયું જીવનગીત

Prashasti Mehta
Tuesday, September 01, 2009 13:54 [IST]
સારા પગાર અને ઉચ્ચ હોદાની નોકરી છોડીને પણ ડોરીસ ખુશ હતી કેમ કે એની આગવી દુનિયામા જીવવા માટે એણે આ નિર્ણય લીધો હતો. નિજાનંદમાં મસ્ત રહેવા એ આટલી નિર્મોહી બની શકી હતી

mehta.jpgડોરીસ એક નાનકડા એપાર્ટમેન્ટમાં એકલી રહે છે. મેં પૂછ્યું, ‘એકલા જીવવાનો તને કંટાળો નથી આવતો?’ ‘એકલા જીવવાનું મેં પોતે જ પસંદ કર્યું છે. પછી કંટાળો શું કામ આવે?’ હસીને ડોરીસે જવાબ આપ્યો અને આગળ ઉમેર્યું, ‘વળી, હું કદી એકલી નથી હોતી. હું કાયમ મારી જાત સાથે વાત કરતી જ હોઉ છું.

મારા માટે આ નજરે દેખાય છે એ દુનિયા નહીં, પણ મારા મનમાં મેં રચેલી મારી દુનિયા સાચી દુનિયા છે. મને આ ઝાકઝમાળભર્યું, દોડધામભર્યું જીવન કદી ગમ્યું નથી. જો કે મને શું ગમે છે એ શોધી કાઢતાં વર્ષોવીતી ગયાં છે.’‘એવું કેમ?’ મેં નવાઇ પામતાં પૂછ્યું.

‘મારા ડેડી સામાન્ય કારીગર અને સાવ થોડું ભણેલા અને મારી મોમ એક વકીલની લાડકવાયી દીકરી. સુખસગવડમાં ઉછરેલી, એને એના પપ્પાની ધનદોલતનું બહુ ગુમાન. એ મને સતત ટોકયા કરે કે તું સામાન્ય રહેવા નથી જન્મી. તારે કરિયર બનાવવાની છે, ખૂબ કમાવાનું છે.

હું સારું ભણી, પાંચ આંકડાના પગારની મને જોબ મળી, પણ મોમને તો કોઇ જાતનો હરખ જ નહીં. એ તો મને અને ડેડીને તુરછ ગણે અને નિસાસા નાખે. આવા કલહકંકાસમાં એક દિવસ અચાનક મારા ડેડનું હાર્ટફેઇલ થઇ ગયું અને મોમ પણ બળાપામાં મૃત્યુ પામી. હુંય બેચેન બની ગઇ.

મને ના જોબ કરવી ગમે, ના જીવવું ગમે. હું સાઇકિયાટ્રિસ્ટ પાસે ગઇ. ત્રણેક વર્ષ મેં એમની દવા કરી પણ મને જીવવામાં રસ જ ના જાગ્યો. એ દરમિયાન હું જીવનલક્ષી સાહિત્ય વાંચતી હતી અને ત્યારે મને એક વાત સમજાઇ. મારે કોઇ મનોચિકિત્સક, દવા કે ગુરુની જરૂર નથી.

મારે કઇ રીતે જીવવું એ મારે નક્કી કરવાનું છે. મારા જીવનમાં વ્યાપેલા આ અંધકારને દૂર કરવા માટે મારે ભીતરમાં ડોકિયું કરવું જોઇએ અને અંદરથી મને સંભળાવા માંડયું કે મારી મોમે મારા માટે જે કરિયરની કેડી કંડારી છે એ મારા અંત:કરણને મંજૂર નથી. મારે કંઇ બનવું નથી, બહારથી કંઇ મેળવવું નથી. આજ સુધી મારી મોમને સંતોષ આપવા હું મથી પણ હવે એ હયાત નથી.

હું મુકત છું.મારું જીવનગીત મને મળી ગયું છે. મેં સારા પગારની પ્રતિષ્ઠિત જોબ છોડી દીધી. મોટું ઘર અને મોંઘું ફર્નિચર વેચી નાખ્યું. આ એપાર્ટમેન્ટ લીધો અને હવે અઠવાડિયામાં કેટલાક કલાક મન થાય ત્યારે કામ કરી લઉ છું અને જરૂર પૂરતું કમાઇ લઉ છું. બાકીનો વખત વાંચુ, ચિત્રો દોરું, સંગીત સાંભળું, કુદરતનું સાનિઘ્ય માણું છું.’

‘આવો નિર્ણય લેતા પહેલા મનોમંથન અનુભવ્યું હતું?’ મેં સીધેસીધું પૂછી લીધું. અમેરિકામાં એટલું ખરું કે લોકો નિખાલસ હોય છે. કશુંય છુપાવ્યા વગર મનના ઊડાણની વાત ખુલ્લા દિલે કરતા હોય છે. ડોરીસે જવાબ આપ્યો, ‘મને મારો માર્ગ મળી ગયો પછી મનોમંથન શાનું? મનને સંતોષ થાય, મન પ્રસન્ન રહે તે રીતે જીવું એમાં બીજાને શું?’

મેં બીજો પ્રશ્ન કર્યો, ‘તું ઊચા પદ પર હતી ત્યારે જેમની સાથે સંબંધો હતા, જે મિત્રો હતા એ આજે છે?’‘સપાટી પરના સંબંધો સરકી ગયા છે. જે કોઇક રહ્યા છે, એનુંય મને વળગણ નથી. હું તો નિજાનંદમાં મસ્ત રહું છું.’ એણે કહ્યું. આપણનેય ડોરીસ જેવું જીવન ગમે પણ એવું સ્વાભાવિકતાથી જીવવાની, એની જેમ બધું છોડવાની આપણામાં હિંમત છે? એના જેવી સરળતા, નિર્મોહીપણું આપણામાં છે?

No comments:

Post a Comment