આ નવી પેઢી નસીબદાર છે
આદર્શ દીકરો અને ભાઇ બની રહેવાની લાલસામાં પત્ની અને પુત્રને પોતાના પ્રેમથી વંચિત રાખનારા અરુણભાઇને આજે તેમનું મહત્વ સમજાયું, ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું...
( સપનાની કેડીએ )
એંશી વર્ષના અરુણદાદા કહે છે, ‘અમેરિકા તો ખરેખર સ્વર્ગ છે. અહીં યુવાન દંપતી એકબીજા સાથે કેવું તાદાત્મ્ય અનુભવે છે? અને એમનાં સંતાનો સાથે એમના જેવડા જ થઇને કેવી સાહજિકતાથી નાચે છે, ગાય છે. હું તો વિસ્મય પામી જાઉ છું. મને ખૂબ આનંદ થાય છે, સાથે સાથે ઉદાસી પણ અનુભવું છું.
હું મારી પત્ની સાથે આવી મોકળાશથી, મિત્રભાવે જીવ્યો નથી. મારા સંતાનો સાથે રમ્યો નથી. અમારી પેઢી તો સ્વાભાવિકપણે, પોતાના મનથી જાણે જીવી જ નથી. અમે વડીલોની મર્યાદા અને સામાજિક વ્યવહારોમાં એવા બંધાયેલા રહ્યા કે અમારું જીવન, અમારી ઇચ્છા મુજબ જીવી શકાય એવો વિચાર પણ કદી આવતો નહીં. આદર્શ અને સંસ્કારના નામે, રિવાજ અને સભ્યતાના નામે, હૃદયમાં ઊઠતી સંવેદનાઓને બળજબરીથી ભીતરમાં દાટી દેતા. પોતાની જાતનો વિચાર કરવો એ તો જાણે અમારાથી ઘોર અપરાધ થઇ ગયો હોય એમ અમે કુંડિત થઇ જતા.
હા, કુટુંબને પ્રાધાન્ય આપવાના કારણે અમારા કુટુંબ સુગ્રથિત રહ્યાં. મા-બાપની સેવા કરવા માટે અને આજ્ઞાકારી બની રહેવા માટે આદર્શ દીકરાનું માન મળ્યું. તેથી મારે માટે હું ત્યારે ગૌરવ લેતો હતો, પણ આજે થાય છે કે મારી જિંદગી તો હું જીવ્યો જ નથી. યૌવનસહજ થનગનાટ મેં કદી અનુભવ્યો જ નહોતો.
અરે! મારી પત્નીને એના નામથી ‘શારદા’ કહીને બોલાવી નથી. એ બિચારી કદી મન ખોલીને મારી સાથે વાત કરી શકી નથી. એના માગ્યા વગર મેં કદી એને કોઇ વસ્તુ હોંશપૂર્વક ભેટ નથી આપી. રજાના દિવસે પિકનિક કે પિક્ચર હોય જ નહીં, ત્યારે તો માતા-પિતાને દર્શન કરાવવા લઇ જવાનાં હોય. કાં તો સામાજિક વ્યવહારમાં કોઇ સંબંધીના ઘરે જવાનું હોય.
એ વખતે પત્ની કરતાં અમારા લિસ્ટમાં કાકા, મામા, ફોઇ, માસી હંમેશાં આગળ, ટોપ પર રહેતાં. પત્ની ક્યારેક ડરતાં ડરતાં ફરિયાદ કરે તો હું શિખામણ આપતો કે મા-બાપની સેવા કરો તો સુખી થશો. હું મારાં ભાઇ-બહેન માટે ખર્ચા કરું ને પત્ની કંઇ કહે તો એને હું કહેતો, ‘ઉદાર બનો.’ કુટુંબ તરફ ફરજ બજાવવામાં હું એટલો અતિરેક કરતો કે પત્નીને ભયંકર અન્યાય કરી બેસતો.
આજે થાય છે કે હું આદર્શ દીકરો, આદર્શ ભાઇ બની શકયો, પણ પતિ તરીકે? પિતા તરીકે? શૂન્ય. આજે મને મારી એ ભૂલ સંતાપ આપે છે. પત્ની તો હયાત નથી કે બે હાથ જોડી એની માફી માગું, પણ દીકરાનેય મે તો લાડ નથી કર્યા. અત્યારે એને જોઉ છું તો એને છાતીસરસો ચાંપીને વહાલ કરવાનું મન થાય છે.
‘તો કરો ને વહાલ, એ ખુશ થશે.’ ‘અરે, એ મને ગાંડો જ સમજે છે. તમને ખબર છે એ મારી સાથે ખપપૂરતી જ વાત કરે છે. હા, મારી તબિયતની કાળજી રાખે છે. મારી બધી સગવડ સાચવે છે, પણ જાણે અમારી વચ્ચે એક અજાણ્યું વણદેખ્યું અંતર છે. હું એના જીવનનો એક ભાગ નથી, પણ જવાબદારી છું, જે એ આદરમાનથી નિભાવે છે. જો કે આવી ફરિયાદ હું ના કરી શકું કારણ કે એમાં વાંક મારો જ છે.
નાનપણમાં એ મારી પાસેથી કોઇ લાડ પામ્યો નથી. ક્યારેક જો એ તોફાન કરે તો એની મા કહેતી, તારા બાપા આવશે તો તને બરાબર ધોઇ નાખશે અને મારો દીકરો ડરનો માર્યોએક ખૂણામાં ભણવા બેસી જતો. હું પણ એવો મૂઢ હતો કે મેં ક્યારેય દીકરાના મનમાંથી ડર દૂર કરવા કદી પ્રયત્ન નથી કર્યો.
ત્યારે પતિ-પત્નીના અદ્વૈત કે સંતાન સાથેના આવા મુક્ત મૈત્રીસંબંધનો મને ખ્યાલ જ નહોતો. હું આવા મધુર સુખથી વંચિત જ રહ્યો છું. એટલે તો મારા દીકરાને કહું છું, ‘બેટા, જિંદગી માણો.’ મા-બાપને સાચવજો એ વાત સાચી પણ તેમની સાથોસાથ પત્ની અને બાળકોને પણ સાચવો. નહીંતર ભવિષ્યમાં મારી જેમ પસ્તાશો.’
No comments:
Post a Comment