Prashasti Mehta
Wednesday, September 09, 2009 20:15 [IST]
પ્રેમલગ્નથી જોડાયેલાં, ઉચ્ચ ડિગ્રીધારી સુધીર અને પૂર્ણિમા ઉજજવળ ભવિષ્યનાં સ્વપ્ના સાકાર કરવા અમેરિકામાં વસ્યાં હતાં. ત્યાં એમના દીકરા શ્રીરાજનો જન્મ થયો અને દીકરાના સંપૂર્ણ વિકાસ પર પૂરું ઘ્યાન અને એને પૂરતો સમય આપી શકાય એ માટે પૂર્ણિમાએ ઊચા પગારની જોબ છોડી દીધી. પૂર્ણિમા શ્રીરાજને લઇને પાર્ક અને બીચ પર ફરવા જતી. ત્યાં એને જેમ્સનો પરિચય થયો. જેમ્સ ઉત્સાહથી થનગનતો, આનંદી, સૌમ્ય પુરુષ હતો.એમનો પરિચય મિત્રતામાં પરિણમ્યો. ગાઢ, નિર્મળ મિત્રતા. સુધીરને પત્નીની આ મૈત્રી ખાસ રુચિ નહીં. અવારનવાર એમની વચ્ચે ઝગડા થવા માંડયા. એક વાર ઉશ્કેરાટમાં આવીને સુધીરે પોતાનાં સાનભાન ગુમાવીને પૂર્ણિમાને શૂટ કરી નાખી. બીજી જ ક્ષણે પોતે શું કર્યું, એનું એને ભાન થયું. પસ્તાવાથી એ ધેરાઇ ગયો. એણે પોલીસને ફોન કર્યો. પોતે તો હવે જેલમાં જશે પણ શ્રીરાજનું શું? એના અફસોસનો પાર નથી.
સુધીરે એની બહેન તન્વીને ફોન કર્યો. પોલીસ સુધીરને પકડીને લઇ જતી હતી ત્યારે તન્વી આવી પહોંચી. સુધીરે કહ્યું, ‘બહેન આજથી એ તારો.’ આટલું કહેતાં કહેતાં એનું ગળું રુંધાઇ ગયું, આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એનું સોનેરી સ્વપ્નું, એનો સોનાનો સંસાર એના હાથે જ નષ્ટ થઇ ગયો હતો. ક્રોધના આવેશમાં નહીં ધારેલી ટ્રેજડી બની ગઇ. તન્વી ભાઇના દીકરાને હૈયાસરસો ચાંપી ધેર આવી. તન્વીનો પતિ ઉમેશ કહે, ‘આને ઘરે લાવી એના કરતાં પોલીસને સોંપી દેવો હતો.’
‘હું હોઉ અને મારા હાથે જ મારા પિતાના ઘરના ચિરાગને પોલીસના હવાલે કરું?’ પૂર્ણિમા હેબતાઇ ગઇ હતી, પણ એનું મગજ બરાબર વિચારી શકતું હતું. ભાઇએ તો સાનભાન ભૂલીને એક સેકન્ડમાં પોતાની જિંદગીને પાયમાલ કરી નાખી હતી, પણ કર્તવ્યનિષ્ઠ અને પ્રેમાળ તન્વી પોતાની ફરજ શી રીતે ભૂલી શકે? એણે પતિને કહ્યું, ‘હું જાણું છું, હું અને તું બંને જોબ કરીએ છીએ. મને આપણી દીકરી અંગના માટે સમય કાઢવામાં મુશ્કેલી પડે છે, ત્યાં આની જવાબદારી કેવી રીતે ઉઠાવીશ? એ વિચાર મને પણ આવ્યો, પરંતુ અંગનાની સાથે સાથે શ્રીરાજ ઉછરી જશે.’
‘પણ શ્રીરાજનું બેકગ્રાઉન્ડ? એનો બાપ, તારો ભાઇ એક ખૂની. એની માનુ ખૂન થતું એણે એની નજરે જોયું છે. એના પપ્પા જે આટલું ભણેલો, પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ પામેલો એ ખૂની? સમાજ એને કઇ નજરે જોશે? કાલે પેપરમાં એના બાપ વિશે લાંબી લાંબી સ્ટોરીઝ છપાશે, ટીવીમાં આ બધું આવશે. શ્રીરાજના સબકોન્સિયસ માઇન્ડ પર એની કેવી અસર પડશે? ખૂની બાપનો દીકરો પણ કોને ખબર કેવો પાકશે?’ ઉમેશ બોલ્યે જતો હતો.
‘પ્લીઝ ઉમેશ, બંધ કર તારી આ શંકા-કુશંકા, આ ડર અને ભય વ્યકત કરવાને બદલે કંઇક તો સારું વિચાર. સમતોલ દ્દષ્ટિથી તું આખો બનાવ જો. મારા ભાઇ કમભાગી, કોણ જાણે કઇ દુર્ભાગી પળે એના હાથે જ એની પ્રાણપ્રિય પત્ની હણાઇ ગઇ. મારી ભાભી શુદ્ધ ચારિત્રની હતી પણ એ સ્વભાવને સુધીર ના સમજી શકયો. બેઉના માથે જીદ અને હુંપદ સવાર થઇ ગયાં હતાં અને સાલસ સુધીર અજાણતાં જ ખૂની બની ગયો. એ હું ય જાણું છું અને તું પણ આ વાત સારી રીતે જાણે છે.
આપણે શ્રીરાજને એનો બાપ ગુનેગાર નથી એમ સમજાવવાનું હોય, એના હૃદય અને મન પરથી એ આખા બનાવની છાપ ભૂંસવાની હોય કે એને ઘૂંટવાની હોય? શું શ્રીરાજને એના નસીબ પર છોડી દેવાનો?’ આટલું કહ્યા પછી તન્વીએ બે ઘડી શ્વાસ લીધો અને પછી મક્કમ સ્વરે પોતાનો નિર્ણય ઉમેશને જણાવ્યો, ‘તને વાંધો હોય તો હું શ્રીરાજને લઇને અલગ રહીશ, ઉમેશ. હું મારી ફરજ નહીં ભૂલું.’ કહીને તન્વી શ્રીરાજને લઇને અલગ થઇ ગઇ. દીકરી અંગના મમ્મી-પપ્પા વચ્ચે ઝૂલ્યા કરે છે.
No comments:
Post a Comment