હાથ કર્મ કરે મન પ્રભુસ્મરણ
Prashasti Mehta
Thursday, July 30, 2009 21:11 [IST]
અમેરિકા વસેલી પોયણીએ એના પતિ ગૌરવને કહ્યું, ‘કાલે જયશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ અમારા ઘરે પધારવાના છે. મેં મારી મમ્મીને કહ્યું છે, ઇન્ટરનેટ પર તું મને એમના દર્શન કરાવજે.’ ગૌરવે કહ્યું, ‘હું પણ દર્શન કરીશ.’ પોયણી જૈન અને ગૌરવ પટેલ છે, પણ ગૌરવ માને છે કે સંત એટલે સંત. તેઓ કોઇ પણ સંપ્રદાયના હોય, પણ પ્રણામના અધિકારી છે. ગૌરવ ઇન્ડિયામાં હતો, ત્યારે ચર્ચ, દેરાસર, મંદિર, મસ્જિદ અને અગિયારીમાં જતો. એ સર્વધર્મને માનતો.પોયણી અને ગૌરવ આતુરતાથી મહારાજસાહેબની રાહ જુએ છે. રાતના અગિયાર થવા આવ્યા. પોયણી બોલી, ‘આપણે અહીં રાત છે, પણ ઇન્ડિયામાં તો સવાર. મહારાજસાહેબના ભકતો વેરાશે પછી તેઓ ઇન્ટરનેટ પર આવશે. માટે તું સૂઇ જા.’ ‘સારું તું મને જગાડજે.’ કહીને ગૌરવ સૂઇ ગયો. મહારાજસાહેબ પધાર્યા ત્યારે અમેરિકામાં રાતના બાર થયા હતા, પણ પોયણીની નાની બૂમે ગૌરવ જાગી ગયો. બે હાથ જોડી માથું નમાવી મહારાજ સાહેબને પ્રણામ કરીને ક્ષેમકુશળ પૂછ્યા અને ધર્મબોધ સાંભળવાની ઇરછા પ્રગટ કરી.
‘ધર્મલાભ,’ બોલીને મહારાજસાહેબ કહે, ‘માનવતા કદી ભૂલશો નહીં, સાચા માણસ થઇને રહેજો.’ બીજા દિવસે ગૌરવ કહે, ‘આપણે કોઇ ભૌતિક ચીજની ખોટ નથી. મેળવવા જેવું બધું મેળવ્યું છે, પણ સાધુસંતના દર્શન થાય, એમના આશીર્વાદ મળે ત્યારે અંતરના ઊડાણમાં ગજબનાં સંતોષ અને પ્રસન્નતા છવાઇ જાય છે. એમ થાય કે બસ આ પ્રસન્નતા કાયમ રહે.’ પોયણી બોલી, ‘સાધુસંત અને એમના ઉપદેશનું સ્મરણ કરવાનું એટલે બધી ઉદાસી અને ચિંતા જતી રહે અને આનંદ આનંદ થઇ જાય.’
ગૌરવે પૂછ્યું, ‘પોયણી, તું આટલી શ્રદ્ધાળુ છે છતાં કોઇ દિવસ દીવો, ધૂપ નથી કરતી, ભગવાનની મૂર્તિ કે ફોટો નથી રાખતી, માળા નથી ફેરવતી, કોઇ ક્રિયાકાંડ નથી કરતી. એવું કેમ?’ ‘આ તો ત્રણ પેઢીથી ચાલી આવતી અમારી જીવનશૈલી અને માન્યતા છે. મારા મમ્મી-પપ્પા કે દાદા-દાદી દેવદર્શનના વિરોધી નહોતાં, પણ એમાં માનતાંય નહોતા.
દાદા કહેતા ‘ગરીબને ખાવા ઘી નથી ને આપણે ઘી દીવા કરવામાં વેડફી મારીએ છીએ. એ દાદીને કહે, જેટલું ઘી તમે દીવીમાં પૂરો છો, એટલું રોજ બાજુ પર મૂકો અને કોઇ ગરીબને આપો તો એ ઘી ચોપડેલી રોટલી ખાઇ શકે. મારા દાદી એક આસને બેસીને માળા ફેરવવાના બદલે રોજ એક કલાક અમારું આંગણું વાળનારા કાળુભાઇનાં સંતાનોને ભણાવતાં.
અમારા ઘરમાં નિયમ હતો, દાદી અથવા ઘરમાં કોઇ ઉપવાસ કરે એમનું ખાવાનું કોઇ જરૂરતવાળાને આપી આવવાનું. આંગણું વાળનારાને કપડાં ધોવાનો અને નહાવાનો સાબુ મારી મમ્મી કાયમ આપે અને સ્વરછતાના પાઠ શીખવાડે. એમને નખ કાપી આપે. માથામાં નાખવા તેલ આપે.’ ગૌરવ કહે, ‘તારા ઘરની વાતો જ ન્યારી છે, પણ સાંભળવી ગમે છે.
તું કાયમ કામ કરતાં ભજન ગાય છે, એ પણ મને બહુ ગમે છે.’ ‘મારાં દાદી અને મમ્મીએ મને વારસામાં આપેલા એ સંસ્કાર છે. દાદી કહે છે કે, હાથ દ્વારા ઘરકામ તો થયા કરે, પણ આપણું ચિત્ત ઉચ્ચ ભાવનામાં રમમાણ હોવું જોઇએ.’ પોયણીએ કહ્યું. ‘સાચી વાત છે, તેથી જ ઘરનું વાતાવરણ કેટલું પ્રફુિલ્લત અને શોભા આપનારું લાગે છે. આખો દિવસ સરસ જાય છે.’ ગૌરવે જવાબ આપ્યો.
No comments:
Post a Comment