અવલોકિતા આત્મવિશ્વાસથી છલકાઇ ઊઠી
Do. Prashasti Mehta
Tuesday, August 04, 2009 20:57 [IST]
અવલોકિતા હજી હમણાં જ અમેરિકા આવી છે. તેથી અમેરિકન અંગ્રેજી ઉચ્ચાર સમજવામાં કયારેક ગૂંચવાય છે અને એ ગૂંચવાય ત્યારે નાના બાળકની જેમ એની મમ્મી અનુબહેનને ફરિયાદ કરવા તરત ફોન લગાવે.અનુબહેન દીકરીની મૂંઝવણને સ્વાભાવિક ગણાવતાં કહે, ‘આટલી નાની વાતમાં અપસેટ શું કામ થવાનું? અમેરિકામાં કેટલાય દેશોના માણસો વસ્યા છે, દરેકના અંગ્રેજી ઉચ્ચારણ એમની માતૃભાષા પ્રમાણે જ થાય. એટલે શરૂ શરૂમાં માત્ર તને જ નહીં, પણ નવા આવનાર બધાને આવી તકલીફ પડે.
તું તો અંગ્રેજી ભાષા જાણે છે એટલે અમેરિકનો સાથે વાત તો કરી શકે છે, પણ ઘણા ચાઇનીઝ અને જાપાનીઝને તો અંગ્રેજીનું જરાય જ્ઞાન નથી હોતું. તેમ છતાં તેઓ વાત કરતાં મૂંઝાતા નથી અને પોતાની વાત સામા માણસને સમજાવી શકે છે. આમાં બોડી લેંગ્વેજ પણ સહાયરૂપ થાય.
પરદેશમાં વસવા જનારને આવી કેટલીય મુશ્કેલીઓ પડે તેમાં આવી સામાન્ય વાતથી ઉત્સાહ નહીં ગુમાવવાનો. તું ધીરજથી એમના ઉરચાર સમજવા પ્રયત્ન કર. આના માટે તું ટીવી અને રેડિયોના પ્રોગ્રામ ઘ્યાનપૂર્વક જો અને સાંભળ.’ અવલોકિતાનો સ્વભાવ અધીરો અને ગભરુ હતો, પણ મમ્મી સાથે વાત કરી એટલે એ સ્વસ્થ થઇ. વળી એની મમ્મીએ કહ્યું, ‘દીકરી, તું નાની હતી ત્યાં સુધી ઠીક છે. હવે લગ્ન પછી તારી પોતાની જિંદગી શરૂ થઇ, તારા પ્રોબ્લેમ તારે પોતે જ હલ કરવા જોઇએ. કોઇ બીજા પર તારે આધાર નહીં રાખવાનો.’
થોડા દિવસ પછી જ અવલોકિતાએ એની જોબના સ્થળ પર, પાર્કિંગ લોટમાં એની કાર ત્યાં પાર્ક થયેલી બીજી કાર સાથે અથડાવી મારી. પેલી કાર ત્યાં પાર્ક કરેલી બીજી બે કાર સાથે અથડાઇ, ધડાધડ. અવલોકિતા ગભરાઇ ગઇ. હવે? એણે એના પતિ તુહિનને ફોન કર્યો, ‘તું ઝડપથી અહીં આવી જા.’
આટલું કહેતાં કહેતાંમાં તો એ રડી પડી. તુહિન શાંત સ્વરે બોલ્યો, ‘પહેલાં તું શાંત થઇ જા. કારને નુકસાન થયું, એમાં ગભરાવાનું શું? તું ત્રણ ચિઠ્ઠીઓ બનાવ. દરેકમાં તારું નામ, ફોનનંબર, આપણી કારનો નંબર અને આપણા ઇન્સ્યોરન્સ એજન્ટનું નામ તથા ફોનનંબર લખીને ત્રણે કારના વાઇપરમાં ભરાવી દે. એ ત્રણે કારના માલિક ભલે હાજર ન હોય, પણ એમને જરૂરી માહિતી સમયસર અને સાચી મળી જશે.’
‘પણ તું આવી જા અહીંયા, તુહિન મને બહુ ડર લાગે છે. પ્લીઝ, તું આવ.’ અવલોકિતાએ આજીજી કરી. પણ તુહિન પહેલાંની જેમ જ શાંત, સંયત સૂરમાં બોલ્યો, ‘અવલોકિતા, ત્યાં મારી જરાય જરૂર નથી. તું એકલી આખી સિરયુએશન સંભાળી શકીશ એટલો મને તારા પર ભરોસો છે.’ તુહિનના આ શબ્દોથી અવલોકિતામાં ખરેખર હિંમત આવી અને એણે પૂરી ચોકસાઇથી આખી પરિસ્થિતિ સંભાળી લીધી. એણે પોતાના ઇન્સ્યોરન્સ એજન્ટને પણ ફોન કરીને બધી માહિતી આપી દીધી.
બીજી એક વાર એ મોલમાં ખરીદી કરવા ગઇ હતી અને પાર્કિંગમાં એની કારની બાજુની કાર જ કોઇ ડ્રગ સપ્લાયરની હતી. પોતાની કારમાંથી અવલોકિતા ઊતરવા જતી હતી. ત્યાં ચારે બાજુથી સાયરનના અવાજ સંભળાયા અને પોલીસવાનોએ પેલા ડ્રગવાળાની કારને આંતરી લીધી.
અવલોકિતાનું હૈયું તો જોરજોરથી ધબકતું હતું, પણ કોને ખબર એનામાં કેવી રીતે સૂઝ, સમજ અને શકિત આવ્યાં કે પોતે સલામત રીતે બહાર નીકળી શકી. સામસામા ફાયિંરગ અને અફડાતફડીમાંથી એ કેવી રીતે બહાર નીકળી શકી એનું એને પોતાને જ આશ્ચર્ય થયું. નાની નાની તકલીફોમાં મા પાસે દોડી જતી અવલોકિતાને એના પતિની ‘તું કરી શકીશ.’ એ ત્રણ શબ્દોએ ગજબનો આત્મવિશ્વાસ આપ્યો.
No comments:
Post a Comment