મમ્મીના પ્રેમીને સાચવતી દીકરી
પિતાના પ્રેમથી વંચિત પુત્રીને જો માતાના પ્રેમી તરફથી એ ભાવ, લાગણી મળી રહે તો જીવનના ઉત્તરાર્ધમાં એમને સાચવવાની પોતાની પણ ફરજ બની રહે છે
પોતાના ટૂંકા પગારમાંથી ડોલી પાંચસો ડોલર એના અંકલને ઇન્ડિયા મોકલે છે, અંકલ એટલે કોણ? એના કાકા? એના મામા? એના ફૂઆ કે માસા? ના, આ અંકલ એના સગા નથી. આ અંકલ તો છે એની મમ્મીના લવર.
ડોલી આ અંકલની દીકરી નથી. ડોલીના પપ્પા તો વર્ષો પહેલાં કેન્સરમાં મૃત્યુ પામ્યા હતા. ડોલી ત્યારે પાંચ વર્ષની અને એનો ભાઇ શ્રીરાજ બે વર્ષનો હતો. ત્યાર પછી એની મમ્મીને આ અંકલનો સથવારો મળેલો. અંકલનો સ્વભાવ ખૂબ પ્રેમાળ અને ઉષ્મા ભર્યો. એમણે ડોલીના મમ્મીને ખૂબ સાચવેલા. અત્યારે તો ડોલીની મમ્મી અવસાન પામી છે અને અંકલ પણ વૃદ્ધ થયા છે.
એ અમદાવાદના કોઇ ફલેટમાં એકાંકી જીવન ગાળે છે. ડોલી અમેરિકામાં વસી છે, પણ એ અંકલને આંતરેદિવસે કોલ કરે છે અને કહે છે કે તમે જરાય અગવડ ના ભોગવશો. આનંદથી રહેજો.
ડોલીએ અંકલને કાર લઇ આપી છે ને ડ્રાઇવર પણ રાખી આપ્યો છે. તત્વા અકળામણથી ડોલીને પૂછે છે, ‘તું અહીં તંગી ભોગવે છે અને અંકલ ત્યાં મોજથી રહે છે. એમને કયાં ખબર છે કે એમને ડોલર મોકલવા તું બબ્બે જોબ કરીને તૂટી મરે છે. તું કેટલી તકલીફ વેઠે છે.
અંકલ પોતે કેમ કોઇ કામ નથી કરતાં?’ ‘તત્વા, આ ઉમરે અંકલ શું કામ કરે? હું જાતે એમની સેવા નથી કરી શકતી, પણ શકય એટલા એમને ચિંતામુકત તો રાખી શકું.’ ‘તારું એમણે શું હિત જોયું છે? એ તમારા ઘરમાં તમારી સાથે રહેતા હતા તેથી સમાજમાં બદનામી થઇ એટલે તો તારા લગ્ન ન થયા. છતાં તું એમને કેમ આટલા સાચવે છે?’
‘કારણ કે એ મારી મમ્મીનો પ્રથમ પ્રેમ છે. મારી મમ્મી એમને પરણવા પ્રાણપણે ઝંખતી હતી, પણ મારા નાનાજી નહોતા ઇચ્છતા, તેથી આ અંકલે એમના પ્રેમના સોગંદ ખાઇને મારી મમ્મીને નાનાજીની ઇરછા મુજબ પરણવા કહ્યું હતું. મારો અને મારા ભાઇનો જન્મ થયો પછી મારા પપ્પાનું કેન્સરમાં મૃત્યુ થયું.
પપ્પાની સારવારમાં મમ્મીએ બધી બચત વાપરી નાખી હતી. ખાલી હાથે મમ્મી અમને લઇને નાનાજીના ઘરે પાછી આવી. આઘાતના લીધે નાનાજી અને એમની પાછળ નાનીમા પણ મૃત્યુ પામ્યા. મમ્મી સાવ નોધારી અને એકલવાયી થઇ ગઇ. ત્યારે આ અંકલે અમારું પોષણ કર્યું અને લાડથી સાચવ્યા હતા.’
‘તો તારી મમ્મી એમને પરણી કેમ ન ગઇ?’ ‘કારણ કે મારા નાનાજીએ એક વાર નામરજી બતાવી હતી, એ વાતને તેઓ વળગી રહ્યાં.’ ‘તો લગ્ન વગર તેઓ સંબંધ રાખતા હતા?’ ‘બેઉ તાદાત્મ્ય અનુભવતા હતા, પણ પતિ-પત્નીનો સંબંધ ન હતો.’ ‘છતાં તમારી કેટલી બદનામી થઇ. તેં શું સુખ ભોગવ્યું?’
‘મારી મમ્મી અને અંકલે શું સુખ ભોગવ્યું છે? સમાજે એમને અપમાનિત જ કર્યા છે.’ ‘તો ય એમને અન્યોન્યનો સાથ તો મળ્યો હતો ને! જયારે તું સાવ એકાકી, સાથીવિહીન.’ ‘તત્વા, હું એકાંકી નથી, મારો સાથી છે. મારો સાથી લોહીમાંસનું જીવતોજાગતો માણસ નથી, પણ મારી કલ્પનાનો રાજકુમાર છે. રાતદિવસ એની સાથે મારો સંવાદ ચાલતો જ હોય છે. તેથી મારું હૈયું ભર્યુંભર્યું છે.’
No comments:
Post a Comment