Sunday, August 16, 2009

તારું રક્ષણ તારે જ કરવાનું છે

તારું રક્ષણ તારે જ કરવાનું છે
Prashasti Mehta
[Photo]કોમ્પ્યૂટર એન્જિનિયર ધારીતા કંઇ કેટલાય રંગીન સ્વપ્ના અને અરમાન હૈયામાં ભરી ઋજુલ સાથે લગ્ન કરીને અમેરિકા આવી. સંયુકત કુટુંબ હતું, દરેક જણ જોબ કરે એટલે દરેકની જિંદગી દોડાદોડભરી હતી.

ધારીતાના મનમાં એક આદર્શ હતો, કે કુટુંબમાં દરેકની હું સ્નેહભરી ખૂબ કાળજી લઇશ, આદરમાનથી દરેકને સાચવીશ અને ઘરને સુખથી ભરી દઇશ. પણ આ શું? આ કુટુંબમાં કોઇને સ્નેહ કે આદરમાનનું તો મૂલ્ય નથી! એકબીજાની ઉપેક્ષા અને અવગણના કરવામાં જ દરેક જણ રાચે છે.

મહેણાં-ટોણાંથી વાતાવરણ ખદબદતું જ હોય. એમાં સૌથી વધારે ત્રાસ ભોગવે છે, ધારીતા. સ્વાર્થી અને ગુમાની સાસરિયાંના વાણી કે વર્તનમાં કયાંય મીઠાશનો અંશ નથી. ધારીતા જેમ જેમ નમ્રતા અને સમતા દાખવે છે તેમ તેમ એનું વધારે શોષણ થાય.

ધારીતા હેબતાઇ ગઇ. ‘આ શું? એકવીસમી સદીના બદલે હું ચૌદમી સદીમાં તો નથી આવી ગઇ ને, જયાં સ્ત્રી અને પશુ મારઝૂડ માટે સમાન પાત્ર ગણાતા હતા.’ ધારીતા થથરી ઊઠી, ‘હું શું કરું? કોને કહું? મારી માને કહું તો એ તો રડવા જ માંડે અને પપ્પા ગુસ્સાથી બહાવરા બનીને બોલી ઊઠે, ‘દીકરી તું પાછી આવી જા.’ અને મારે મારો સંસાર ભાંગવો નથી.’

એને વિદાય કરતી વખતે એની મમ્મીએ કહ્યું હતું, ‘દીકરી, અમે તને ખૂબ લાડમાં ઉછેરી છે, તે જે માગ્યું એ બધું આપ્યું છે, પણ હવે કદાચ એવું નહીં થાય. તારે મન મારવું પડશે, કડવા ઘૂંટડા ભરવા પડશે, પણ એ માટે તું કોઇને દોષી ના માનીશ. કોઇના પ્રત્યે ગુસ્સો કે રોષ ના રાખીશ. તારા વાણી-વર્તનમાંથી વિવેક અને મર્યાદાની કદી બાદબાકી ના કરીશ.’

માની શિખામણ યાદ કરીને ધારીતા બધા પ્રકારનો દુર્વ્યવહાર ચૂપચાપ સહન કરતી. એનું આરોગ્ય કથળ્યું. એક વખત એના પપ્પાના મિત્ર મળવા આવ્યા. ધારીતાનો નિસ્તેજ ચહેરો અને દૂબળું શરીર જોઇ આઘાત પામ્યા. એ કાકાએ ખૂબ પૂછ્યું, ત્યારે ધારીતા બોલી, ‘કાકા, મને ફરિયાદ કરવી કે રોદણાં રડવા નથી ગમતાં, પણ મને કંઇ સમજાતું નથી. મારા જ્ઞાન, સંસ્કારની કંઇ કમિંત નથી.’ ‘કમિંત નથી તો કમિંત કરાવતાં તને આવડવું જોઇએ.’ કાકા બોલ્યા.

‘એ શી રીતે? હું એમની સાથે ઝઘડો કરું? હું એવી નીચલી કક્ષાએ ઊતરી જાઉ?’ ‘ના દીકરી, પણ તને બુદ્ધ ભગવાનવાળી પેલી વાત ખબર છે ને? ચંડકૌશિક નાગ નમ્ર બની ગયો, તો બધા એના પર પ્રહાર કરવા માંડયા.

એ લોહીલુહાણ થઇ મરવા પડયો, ત્યારે ભગવાને એને કહ્યું કે તું ડંખ ના મારે પણ ફૂંફાડો તો મારી શકે! ધારીતા, તારી સૌજન્યતા જેને ના સમજાય એને એની ભાષામાં સમજાવવા જેટલી કુનેહ, આવડત તારામાં જોઇએ, નહીં તો તું પાયમાલ થઇ જઇશ. માટે પ્રભાવશાળી બન.

No comments:

Post a Comment