દીકરા, ઊગતા સૂર્ય તરફ મીટ માંડ
વિદેશ જતા સંતાનોનો ઉત્સાહ અને તેમને હસીને વિદાય કરતા માતાપિતાના મનમાં ધરબાયેલા દર્દની દાસ્તાન
મયંકભાઇનો દીકરો પ્રત્યૂષ પરદેશ સેટલ થવાનો છે એ સાંભળી એમના મિત્ર સુબંધુભાઇ બોલી ઊઠયા, ‘અહીં પ્રત્યૂષને શું ખોટ છે કે પરદેશ જાય છે?’‘ત્યાં એને વધારે સારો ચાન્સ મળે છે.’ મયંકભાઇ બોલ્યા. ‘અહીં વર્ષે ૨૫ લાખ તો એને મળે છે, ઉપરાંત બીજી સગવડો, આનાથી કયો મોટો ચાન્સ જોઇએ છે?’ ‘ચાન્સ એટલે માત્ર પૈસા નહીં પણ એને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવા મળે.
એનો વિકાસ થાય અને સાથે સાથે એને કઇંક નવું ‘શીખવાનું મળે.’ ‘શીખવાનું હતું એટલું તો શીખી લીધું છે એટલે તો આટલી ઊચી પોસ્ટ પર છે, હવે શું શીખવાનું બાકી છે?’ ‘સુબંધુભાઇ, શીખવાની પ્રક્રિયા આખી જિંદગી ચાલ્યા જ કરે છે, નવા નવા પડકારો ઊભા થાય ને એને પહોંચી વળવાની મજા કંઇ ઓર છે.’ મયંકભાઇ બોલ્યા. ‘અને તમે બે અહીં એકલા રહેશો?’ તુચ્છકારથી સુબંધુભાઇએ કહ્યું.
એટલામાં મયંકભાઇના પત્ની શોભનાબહેન બોલ્યાં, ‘સુબંધુભાઇ, તમે જે કહો છો એ તમારી અમારા માટેની લાગણી છે, પરંતુ આ બદલાતા સમયને સમજવો જોઇએ. આ સ્પર્ધાના સમયમાં જેની પાસે ટેલેન્ટ હોય એ આગળ વધવા ઇરછે, આ નવી પેઢી તો આકાશનીય પેલે પાર જવાના મનસુબા સેવે છે, આપણું આ આકાશ એને નાનું પડે છે, એ ઊચે ને ઊચે ઊડવા ચાહે છે તો આપણે એને સાથ અને સહકાર જ આપવાનો.’ ‘એ આકાશમાં ઊડે ને તમે અહીં એકલતામાં સબડયા કરશો? તમને એકલા મૂકીને જવાનો નિર્ણય શી રીતે કરી શકે?’ ‘એણે અમને પૂછ્યું હતું. અમને છોડીને જતાં અચકાતો હતો ત્યારે અમે કહ્યું હતું કે તું ખુશીથી જા. અમે બધું મેનેજ કરી શકીશું. ’
‘મન મનાવવાની વાતો ના કરો મયંક, તારી ઉમર સાઇઠ ઉપરની થઇ, નિરાંતે બેસવાના દિવસો છે ત્યારે દોડાદોડી કરશો?’ ‘જિંદગીના પ્રારંભે હતા એટલા જ આનંદ ઉત્સાહ અત્યારે છે. અમે લાઇબ્રેરી જઇએ છીએ, વાંચીએ છીએ, અમારા રસના પુસ્તકો ઘરમાં છે, ખુશ રહીએ છીએ. અંદરથી જાણે અમે સમૃદ્ધ છીએ. અમે રોજ કસરત કરીએ છીએ જેથી શરીર, મન નિરોગી રહે.’ શોભનાબહેન બોલ્યાં.
‘ભાભી, આ બધું તમારું શાણપણ અકબંધ રહે એવું હું ઇચ્છું, પણ દીકરો, વહુ ને એનાં છોકરાં ઘર છોડીને જશે ત્યારે રડવાનું શરૂ થઇ જશે.’ ‘સુબંધુભાઇ, અમે નહીં રડીએ. હા, આંખ જરૂર ભીની થશે. અમે રડીએ તો દીકરો વહુ ઢીલાં પડી જાય. દીકરો અપરાધભાવ અનુભવે. દીકરા તરીકે ફરજ બજાવવામાં પોતે ઉણો ઊતર્યોછે, આવા વિચારથી એનું મન કોચવાયા કરે તો એ સંપૂર્ણ મનથી ત્યાં રહી ના શકે, એકાગ્રતાથી એની જોબ ના કરી શકે.
આવું બધું શું કામ થવા દેવાનું? આપણે દીકરાનાં મા-બાપ છીએ. એ નાનો હતો ત્યારે એની નાનામાં નાની ખુશીનો આપણે ખ્યાલ રાખ્યો છે અને અત્યારે એ દુભાય એવું શું કામ કરવાનું? આપણે એની પ્રગતિના આડે કદી નહીં આવવાનું.’ નક્કી કરેલા દિવસે પ્રત્યૂષ એના કુટુંબ સાથે પરદેશ ગયો ત્યાર પછી મયંકભાઇ અને શોભનાબહેન થોડાક ઉદાસ તો થઇ જતાં પણ તરત તેઓ સભાનપણે ઉદાસીનતાને ભગાડી મૂકતાં, અને સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતાં.
પ્રત્યૂષ ફોન કરે ત્યારે કહેતો, ‘મમ્મી, પપ્પા હું તમને મીસ કરું છું. મને આ જુદાઇ બહુ કઠે છે. મને તમારી ચિંતા થાય છે.’ ‘ઓ બેટા એવા રોતલ નહીં થવાનું, તું નકારાત્કમક વિચાર કરીશ તો તારું મન નિર્બળ થઇ જશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તું ચમકે એનો આનંદ અમને બહુ છે.
તું તારી સિદ્ધિઓનું લિસ્ટ બનાવ તારે શું છોડવું પડ્યું છે એનું નહીં. તારી નજર તારા ભવિષ્ય તરફ હોવી જોઇએ. દીકરા, આપણે તો નસીબદાર છીએ, જોને ટેલિફોન તથા ઇન્ટરનેટથી આપણે એકબીજાનો સંપર્ક કરી શકીએ છીએ બેટા, આપણે બધાંએ એકલાં રહેતાં શીખવું જ જોઇએ. રોદણાં નહીં રડવાનાં પણ જિંદગીને શ્રેષ્ઠ રૂપરંગ આપવા પ્રયાસ કરવાનો.’
No comments:
Post a Comment