આપણા દીકરાને આપણે જ ઉછેરીશું
સંતાનને જન્મ આપ્યા પછી ઉછેરવા માટે બેબીસીટરને સોંપી દેનારા માતા-પિતા કયારેય એ કેમ નહીં વિચારતાં હોય કે સંતાનનું ચારિત્ર્યઘડતર એમનાથી વધારે સારી રીતે કોણ કરી શકે?
અચ્યુતાને દીકરો આવ્યો. રજાઓ પૂરી થતાં એને જોબ પર જવાનો દિવસ આવ્યો ત્યારે પ્રશ્ન ઊઠયો, ‘મારા દીકરાને કોની પાસે મૂકીને હું જોબ કરવા જઇશ?’અરયુતા જોબ છોડી દે તો નિરંતરના પગારથી ઘર તો ચાલે, બચત ના થાય. હજી તો કેટલાય સાધન-સુવિધાઓ ખરીદવાં છે તેથી જોબ તો કરવી જ પડે. એના મનમાં ભાંજગડ ચાલે છે કે બેબીસીટિંગમાં તો બરાબર કાળજી લેવાતી નથી. એને મેથ્યુનો કિસ્સો યાદ આવી ગયો.
ડોકટર દંપતીએ એમના દીકરા મેથ્યુને સાચવવા વૂડવર્ડ નામની છોકરીને રાખી હતી. એ છોકરીથી મેથ્યુ પડી ગયો અને એની ખોપરીને ઇજા થઇ. મેથ્યુ કોમામાં સરી પડયો. કેટલી ટ્રીટમેન્ટ આપી, પણ એ બરયો નહીં. આ કિસ્સો યાદ આવતાં અરયુતાએ નિરંતરને કહ્યું, ‘હું દીકરાને બેબીસીટર પાસે નહીં મૂકું.’
નિરંતરે કહ્યું, ‘તો દીકરાને ઇન્ડિયા મોકલી દઇશું? ‘ના, એ મારી નજર સમક્ષ જ રહેશે. એને ઉછેરવા બીજાને સોંપી દઉ તો મા બન્યાનો અર્થ શું?’ ‘તો તું જોબ છોડી દે.’ નિરંતરે કહ્યું. ‘ના, હું ત્રીજી પાળીમાં એટલે કે નાઇટ શિફટમાં જોબ કરીશ.
તું દિવસે જોબ કરવા જઇશ ત્યારે હું એને સાચવીશ અને હું જાઉ ત્યારે તારે સાચવવાનો.’ ‘અરયુતા, રાત્રે તો એ સૂઇ રહેશે એટલે મને ખાસ તકલીફ નહીં પડે, પણ તું રાત આખી જોબ કરે ને દિવસે એને સાચવવાની તકલીફ તું વેઠી શકીશ? સતત મહિનાઓ અને વરસો સુધી ચાલતી આ પ્રક્રિયા છે. જોબ પર તું પહેલા કલાકે તું જેટલી ફ્રેશ હોય એટલી છેલ્લા કલાક સુધી રહી શકીશ? આ અમેરિકા છે. છૂટા કરી દેશે. કામમાં શિથિલતા સહન નહીં કરે.’
‘તું ચિંતા ના કર, હું પહોંચી વળીશ.’ અરયુતાએ જવાબ આપ્યો અને ખરેખર એ દીકરાને સાચવતી અને જોબ પણ કરતી. એક વાર નિરંતરે અરયુતાને પૂછ્યું, ‘કયાંથી આવે છે તારામાં આટલી તાકાત?’ ‘મારી મમ્મી પાસેથી. એણે મને કે.જી.માં મૂકી જ નહોતી. એણે એક ડાયરી રાખી હતી, એમાં રોજનો મારો પ્રોગ્રેસ લખતી. નિરંતર, સંતાનને આપણે જન્મ આપીએ પણ એનું યોગ્ય ઘડતર કરીએ તો જ એ સમાજમાં એની જગ્યા કરી શકે.
ગમે તે તકલીફમાં એ ડરે નહીં, આત્મવિશ્વાસ ન ગુમાવે.’ નિરંતર બોલ્યો, ‘અરયુતા, તારી વાત સાચી છે, પણ હું તો વર્ષોવીતવા સાથે મોટો થઇ ગયો છું. ભણ્યો પણ એ રીતે જ.’ અરયુતા પ્રેમથી બોલી, ‘તારામાં વિવેકભાન હોવાથી તું કંઇક બની શકયો છે. ભણતર અને ટેક્નિકલ જ્ઞાન એ સ્કૂલ કોલેજમાંથી મેળવશે પણ ચારિત્ર્યઘડતર તો આપણા હાથે જ થવું જોઇએ.’ ‘ચોક્કસ, તું દીકરાને અને મનેય સાથે કેળવજે.’ નિરંતર ઉત્સાહથી બોલ્યો.
No comments:
Post a Comment